8 માર્ચનો દિવસ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વની દરેક મહિલા પોતાના દેશ, ક્ષેત્ર, જાત-પાત, ભાષા અને રાજકીય, સાંસ્કૃતિક, ભેદભાવની સીમાઓને પાર કરીને સાથે મળીને આ દિવસને ઉત્સાહથી મનાવે છે. આ દિવસે સ્ત્રીના પ્રેમ, સ્નેહ અને માતૃત્વની મમતાની સાથે જ શક્તિ સંપન્ન સ્ત્રીની મૂર્તિ સામે આવે છે. આપણને ખબર જ છે કે એકવીસમી સદીની મહિલાઓએ પોતાની શક્તિને ઓળખી લીધી છે અને મોટાભાગે પોતાના અધિકારો માટે લડવાનું પણ શીખી લીધું છે. વર્તમાન સમયમાં તો તે પુરૂષો જોડે ખભેથી ખભો મેળવીને તમામ ક્ષેત્રમાં કામ કરી રહી છે.
મહિલા દિવસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. આ દિવસ તો દર વરસે ઉજવાય છે પણ બહુ ઓછા લોકો તેની ઉજવણી ક્યારે થઈ તેના વિશે જાણતા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત ઈ.સ. 1900માં થઈ હતી. આના માટે ન્યૂયોર્કમાં બનેલ એક ઘટના જવાબદાર હતી. 1908માં ન્યૂયોર્કની એક કાપડની મિલમાં કામ કરતી 15,000 મહિલાઓએ કામના કલાક ઘટાડવા માટે, વધારે વેતન આપવા અને તેમને પણ પુરૂષોની જેમ મતનો અધિકાર મળે વગેરે માંગ સાથે એક રેલી કાઢી હતી અને એ કદાચ સૌ પ્રથમ મહિલાઓની રેલી હોવી જોઈએ જ્યારે આટલી વિશાળ સંખ્યામાં એકત્ર થઈ પોતાના અધિકારની માંગણી કરી હોય. એ અધિકારની લડાઈની અસર એવી થઈ કે અમેરીકાની રાજકીય પાર્ટીઓ પણ આ લડાઈમાં જોડાવા લાગી. આ જ સમયમાં 1909ની સાલમાં અમેરીકાની જ સામાજિક પાર્ટીએ પહેલીવાર “નેશનલ વુમન- ડે” ઊજવ્યો હતો. મહિલાઓના અધિકાર માટેની આ લડાઈ દેશ પૂરતી સીમિત ન રહેતા ડેનમાર્ક સુધી પહોંચી ગઈ.
વર્ષ 1909માં ડેનમાર્કના કોપનહેગનમાં કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય મિટિંગ થઈ જેમાં મહિલાઓના અધિકાર માટેની લડાઈને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેના માટે 19મી માર્ચની તારીખ પસંદ કરાઈ જેની શરૂઆત 1911થી જ કરી દેવામાં આવી હતી. 1913-1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન રશિયન મહિલાઓ દ્વારા પહેલીવાર શાંતિની સ્થાપના માટે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા રવિવારે મહિલા દિન ઉજવવામાં આવ્યો હતો. યુરોપમાં પણ યુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન થયું. 1917 સુધી વિશ્વ યુદ્ધમાં રશિયાના 2 લાખથી વધારે સૈનિકો મુત્યુ પામ્યા હતા, રશિયન મહિલાઓએ ફરી રોટી અને શાંતિ માટે આ દિવસે હડતાલ પાડી પરંતુ રાજનેતાઓ આની વિરુદ્ધ હતા, તેઓ આ આંદોલન સામે ન ઝૂક્યા અને મહિલાઓનું કંઈ ન સાંભળ્યું, જેને કારણે મહિલાઓએ આંદોલન ચાલું રાખ્યું અને એના ફળ સ્વરૂપે ઝારે પોતાની ગાદી છોડવી પડી અને સરકારે વોટ આપવાના અધિકારની જાહેરાત કરવી પડી. મહિલાઓએ પોતાની લડતને વધુ અસરકારક સ્વરૂપ આપવા માટે ઓસ્ટ્રીયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં લાખો મહિલાઓએ રેલીઓ કાઢી. પણ સમય જતાં 1931માં 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે નક્કી કરવામાં આવ્યો ત્યારથી પ્રત્યેક વર્ષ 8મી માર્ચના દિવસે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મહિલાદિન આજે લગભગ હવે બધા જ વિકસિત, વિકાસશીલ દેશોમાં મનાવવામાં આવે છે. આ દિવસ મહિલાઓને તેમની ક્ષમતા, સામાજિક, રાજનૈતિક અને આર્થિક પ્રગતિ અપાવવા અને એ મહિલાઓને યાદ કરવાનો દિવસ છે જેમણે મહિલાઓને એમના અધિકાર અપાવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્રારા મહિલાઓના વિકાસની શરૂઆત પણ 8માર્ચ, 1975થી જ શરૂ કરી હતી. 1985માં નૈરોબીમાં ભરાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો. આનો મુખ્ય ધ્યેય મહિલાઓની પ્રગતિ અને એમનામાં આત્મવિશ્ર્વાસનો સંચાર કરવાનો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘે મહિલાઓના સમાનઅધિકારને પ્રોત્સાહન અને સુરક્ષા આપવા માટે વિશ્ર્વભરમાં કેટલીક નીતિઓ, કાર્યક્રમ અને માપદંડ નક્કી કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અનુસાર કોઈ પણ સમાજમાં સામાજિક, આર્થિક, રાજનૈતિક સમસ્યાઓનું નિરાકરણ મહિલાઓની સમજદારી વિના નથી કરી શકતા. ભારતમાં પણ મહિલાઓને અધિકાર અપાવવા માટે અને એમને સશક્ત કરવા માટે બહુ જ પહેલાથી કાર્ય કરવામાં આવે નછે. આ કાર્યની શરૂઆત રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, ઈશ્ર્વરચંદ્ર વિધાસાગર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ કરી હતી. જેના પ્રયત્નોથી નારીમાં સંઘર્ષ ક્ષમતાનો આરંભ થવાનો શરૂ થઈ ગયો હતો. આજ ક્રમને વધરે આગળ બીજા નેતાઓએ વધાર્યો. આ બધાની જોડે મહિલા સશક્તીકરણના માર્ગમાં બિનસરકારી સંસ્થાઓના પ્રયાસોને પણ નકારી શકાતો નથી.
મહિલા સશકિતકરણ સાથે જોડાયેલા દરેક પાસાંને જોડીને એવું લાગે છે કે મહિલા સશક્તિકરણ માટે સમાજ કેટલો જાગ્રત છે અને એના માટે કેટલા મોટા-મોટા કામો થઈ રહ્યા છે, પરંતુ હકીકત કોઈ કડવી સચ્ચાઈથી ઓછી નથી. દુનિયાભરમાં નારી સશક્તિકરણની ગૂંજ અને સમતા, સમાનતા અને આઝાદીના નારા અને તમામ મહિલા સંગઠનોની પ્રવ્રત્તિ અને પ્રહતિશીલ પ્રયત્નો પછી પણ પુરૂષપ્રધાન સમાજમાં નારીની સ્થિતિમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નથી, અને આજે પણ સમાજમાં મહિલાઓ બીજા વર્ગની જિંદગી પસાર કરવા માટે મજબૂર છે. પરંતુ ભારતીય સંવિધાને તો સ્ત્રીને પુરૂષની સમકક્ષ માની છે અને આના માટે સંવિધાનમાં જોગવાઈ પણ કરી છે. આમ હોવા છતાં ભારતીય રાજનીતિમાં આઝાદીનાં 65 વર્ષો પછી પણ મહિલાની ભાગીદારી બહુ જ ઓછી છે અને આજે પણ મહિલાઓ માટે સંસદ અને વિધાનસભામાં 33 % આરક્ષણ અનામત છે. પરંતુ વિદેશોમાં આજે મહિલાઓ જરૂર કેટલીક હદ સુધી સશક્તિકરણના માર્ગ પર ચાલી રહી છે અને આગળ વધી છે. પરંતુ ત્યાં પણ એમની જોડે જાતીય શોષણના અત્યાચારો ઓછા નથી થતાં.
આખા દેશમાં આ દિવસ મહિલાઓને સમાજમાં એમના વિશેષ યોગદાન માટે સમ્માનિત કરવામાં આવે છે અને સમારોહનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ માટે કામ કરી રહેલી કેટલીક સંસ્થાઓ દ્રારા પ્રશિક્ષણ શિબિર, સાંસ્કતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજ, રાજનીતિ, સંગીત, ફિલ્મ, સાહિત્ય, શિક્ષા જેવા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહિલાઓને સમ્માનિત કરવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ દ્રારા ગરીબ મહિલાઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં એક મહિલાને શિક્ષણનો ,વોટ આપવાનો અધિકાર અને મૌલિક અધિકાર છે.ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતમાં આજે મહિલા આર્મી, એરફોર્સ, પોલીસ, આઈટી, એન્જિનીયરીંગ, દાક્તરી વગેરે જેવા ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભેખભો મિલાવી રહી છે. માતા-પિતા હવે દીકરા- દીકરીમાં કોઈ ભેદભાવ રાખતા નથી, પરંતુ આ સમજ- વિચાર કેટલાક વર્ગ પૂરતો સીમિત છે.
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન આપણી આગળ કેટલીક એવી મુસીબતો છે જેનો આપણે સામનો કરવાનો છે. આપણે સમજવું પડશે કે મુઠ્ઠીભર મહિલાઓના આગળ આવવાથી આખા નારી સમાજનું કલ્યાણ નહીં થાય, જો મહિલાઓને સશક્ત કરવી છે તો પહેલા સમાજે જાગ્રત બનવું પડશે. સાચા અર્થમાં મહિલા દિવસ ત્યારે જ સાર્થક થશે જ્યારે વિશ્ર્વભરમાં મહિલાઓને માનસિક અને શારીરિક રૂપે પૂરેપૂરી આઝાદી મળશે, જ્યાં તેમને કોઈ હેરાન નહીં કરે,જ્યાં તેમને દહેજની લાલચમાં જીવતી નહીં સળગાવે, જ્યાં કન્યાભ્રૂણ હત્યા કરવામાં નહીં આવે, જ્યાં બળાત્કાર કરવામાં નહીં આવે, જ્યાં તેને વાચવામાં નહીં આવે . સમાજના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યને તેની નજરથી જોવામાં આવશે. તાત્પર્ય એ છે કે એમને પણ પુરુષની સમાન એક ઈન્સાન સમજવામાં આવશે.